દિન વિશેષ
ચંદ્રશેખર આઝાદ 27 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
bharatmatamandir.in |
મોંઘા વતનનાં મોંઘા રતન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો.નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ,ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.દરમિયાન અસહકારનું આંદોલન શરૂ થતાં પિકેટિંગમાં જોડાયા,પરંતુ અંતે ગાંધીજીની અહિંસા તેમને અનુકૂળ ન આવી.અભ્યાસ છોડી ચંદ્રશેખર ક્રાંતિકારી દળમાં જોડાયા.દળમાં એમણે મોટી જવાબદારી નિભાવી. નાણાંની ખેંચ ઊભી થઇ ત્યારે કારોરી ખાતે રેલધાડના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા. સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. સરકારે તેમને પકડવા અથાગ પ્રયાસો કર્યા પણ આઝાદ ‘આઝાદ’ જ રહ્યા.એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યાં હોવા છતાં,એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી.ક્રાંતિકારીઓના તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી.એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. તેમણે ત્રણ-ચાર પોલીસોને ઘાયલ કર્યા,પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીંકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયા.એ દિવસ હતો ઇ.સ.1931 ના ફેબ્રુઆરી માસની 27મી તારીખનો. ચંદ્રશેખરનું જીવન એટલે જવામર્દી અને ઝિંદાદિલીના જવલંત કથા. “દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે,આઝાદ હી રહે હૈ,આઝાદ હી રહેંગે.”
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
"JAY HIND"
જવાબ આપોકાઢી નાખો