દિન વિશેષ
મૌલાના અબુલ કલામ આઝાદ 21 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
હિન્દુ-મુસ્લિમ ઐકય માટે પ્રયાસ કરનાર રાષ્ટ્રવાદી રાજપુરુષ મૌલાના આઝાદનો જન્મ ઇ.સ.1888 માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો હતો. ભારતના કલકતામાં રહી તેમણે વાંચન અને શિક્ષણ પાછળ ખૂબ મહેનત લીધી. કવિતાનો શોખ હોવાથી મુશાયરા તથા કવિ બેઠકોમાં ભાગ લેતા.ઇસ્લામ ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પારંગત થયા.તેમણે અલ હિલાલ (બીજનો ચંદ્ર) નામનું સાપ્તાહિક કાઢી ભારતના મુસ્લિમોને સ્વરાજય પ્રાપ્તિ માટે તૈયાર કર્યા અને ઢગલાબંધ સાહિત્ય પણ રચ્યું. ઇંગ્લેન્ડના પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં તેમણે આગેવાની લીધી, પરિણામે એક વર્ષની જેલની સજા થઇ. સજા પૂરી કરી કૉંગ્રેસમાં પડેલા ભાગલા વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. ત્યારપછી તો કૉંગ્રેસના પ્રમુખ પણ થયા. પરંતુ તેમનું સૌથી મોટું પ્રદાન તો ભારતમાતાની સેવા છે.વિશાળ વાચન અને તલસ્પર્શી અભ્યાસને લીધે તેમનામાં રહેલો લેખકનો આત્મા જાગી ઉઠયો હતો. પછી તો ગાંધીજીના અનન્ય સાથી બની જઇને તેમણે હિન્દુ-મુસ્લિમ ઐક્ય માટે જે તનતોડ પ્રયાસ કર્યો તેનાથી ભારતના ઇતિહાસમાં એક પાક મુસ્લિમ રાષ્ટ્રીય નેતા તરીકે તેઓ અવિસ્મરણીય કીર્તિ કમાયા.તેમની પ્રેરણાથી લાખો મુસ્લિમો ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. તેમણે 20 ઉપરાંત ગ્રંથો લખ્યા છે.21/2/1958 ના રોજ એમનું નિધન થયું.શિક્ષણ,સેવા અને સ્વતંત્રતા પાછળ પોતાનું આયખું સમર્પિત કરનાર શ્રી મૌલાનાનું વ્યક્તિત્વ કદી વિસરી શકાય તેમ નથી.
iloveindia.com |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ