દિન વિશેષ
પુષ્પાબહેન મહેતા 21 માર્ચ
શ્રી એલ.વી.જોષી
ગુજરાતના અનન્ય સમાજસેવિકા પુષ્પાબહેન મહેતાનો જન્મ પ્રભાસપાટણમાં 21/3/1905 ના રોજ થયો હતો. તેમને કરુણા, અભય અને સાહસિકતાના ગુણ વારસામાં મળ્યા હતા. પંદર વર્ષની વયે પુષ્પાબહેન સાહિત્યલેખો લખતાં થઇ ગયાં. સ્નાતક થયા પછી હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. જમાના પ્રમાણે નાની ઉંમરે લગ્ન થયા અને છવ્વીસ વર્ષની નાની ઉંમરે વૈદ્યવ્યનો ખાલીપો દૂર કરવામાં કુદરતે સહાય કરી હોય તેમ તેમનો પરિચય ક્રાંતિકારી વીરાંગના મૃદુલા સારાભાઇ સાથે થયો. સ્ત્રીઓને સહાય મળે તે માટે અમદાવાદમાં મૃદુલાબહેને જયોતિસંઘની સ્થાપના કરી અને તેમણે પુષ્પાબહેન પર સંપૂર્ણ જવાબદારી મૂકી. ઉપરાંત અગ્રણી વિદેશી કાપડના બહિષ્કારની તેમજ દારૂની દૂકાનો ઉપરના પિકેટિંગની ચળવળોમાં ભાગ લીધો હતો. 1942 ની ચળવળ વખતે ભૂગર્ભવાસીઓને મદદ કરી હતી. ભારત સરકારે ‘પદ્મભૂષણ’ નો ઇલકાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. જૂનાગઢમાં ‘શિશુમંગલ’, રાજકોટમાં ‘કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ’ અને વઢવાણમાં ‘વિકાસ વિદ્યાલય’ એમ નારીગૃહોની સ્થાપના કરી. આ બધી સંસ્થાઓમાં તેમણે મન મૂકીને કામ કર્યું. સૌરાષ્ટ્ર સરકારની રચના થતાં ઢેબરભાઇ સરકારમાં પુષ્પાબહેન સ્પીકરપદે નિમાયા હતા. ઇ.સ.1988 માં ગુજરાત જેમને માટે ગૌરવ લઇ શકે એવા પુષ્પાબહેનનું દેહાવસાન થયું.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ