દિન વિશેષ
પરમહંસ યોગાનંદ 7 માર્ચ
શ્રી એલ.વી.જોષી
ભારતના મહાન સંત પરમહંસ યોગાંદનો જન્મ ઇ.સ.1893 માં થયો હતો. બાળપણથી જ તેઓ દેશપ્રેમ અને આધ્યાત્મિક રંગે રંગાયા હતા. નવયુવાનોના અભ્યાસમાં તેમણે ઊંડો રસ લીધો. સૌ પ્રથમ તેમણે પશ્વિમના દેશોમાં પોતાના વિચારોનો પ્રચાર કરવાની શરૂઆત કરી. ‘ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઓફ રીલીજન્સ’ માં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ બોસ્ટન ગયા હતા. તેમના પ્રવચનોનો મુખ્ય વિષય રહેતો કે ઇશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ કેવી રીતે કરી શકાય ? પૂર્વ અને પશ્વિમને આધ્યાત્મિક રીતે એક તાંતણે બાંધવાનો અને બધા જ ધર્મો મૂળ રીતે એક જ છે તે વિચારનો તેમણે પ્રચાર કર્યો. તેમનું એક જ ધ્યેય હતું : પ્રભુપ્રાપ્તિ અને એક જ કાર્યક્રમ : આધ્યાત્મિક રીતે સર્વધર્મ સમભાવની વાત સમજાવવી. તેમણે યોગદા સત્સંગ સોસાયટીની સ્થાપના કરી. ‘એક યોગીની આત્મકથા’ તેમનું પુસ્તક વિશ્વભરમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ તરીકે ગણના પામ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની આધ્યાત્મિકતાનો સંદેશો ફેલાવવામાં તથા દેશપ્રેમના કાર્યો માટેનું તેમનું પ્રદાન પ્રશંસનીય રહ્યું છે. 7/3/1952 ના રોજ લોસ એન્જલ્સમાં વ્યાખ્યાન આપ્યા બાદ થોડી જ વારમાં તેમનું અવસાન થયું હતું. પરમહંસ યોગાનંદ કહેતા કે ઇશ્વરની પ્રાપ્તિ ઘરમાં પણ થઇ શકે છે અને આશ્રમમાં પણ. હું ભારતને ચાહું છું, કારણ કે સૌથી પહેલાં ઇશ્વરને પ્રેમ કરવાનું હું જ શીખ્યો. ઉપરાંત અન્ય બધી જ સુંદર વાતો હું શીખ્યો છું’.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ