Follow US

Responsive Ad

કનુ દેસાઇ 12 માર્ચ


શ્રી એલ.વી.જોષી
ગુજરાતમાં કલા શબ્દના પર્યાય સમા કનુ દેસાઇનો જન્મ 12/3/1907 ના રોજ અમદાવાદમાં થયો હતો.મોસાળમાં ઉછરેલા કનુએ કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકલાની તાલીમ લીધી હતી. થોડા સમય બાદ કનુભાઇને શાંતિનિકેતન જવાની તક મળી. કવિવર ટાગોરની નિશ્રામાં તેઓ કલાક્ષેત્રે ખૂબ કીર્તિ પામ્યા. ત્રણ વર્ષ બાદ પાછા ફરીને તેમણે તેમનો પ્રથમ ચિત્રસંપુટ સત્તર છાયાચિત્રો પ્રગટ કર્યો. પછી તો ઉપરાઉપરી એમના લગભગ ત્રીસ જેટલા આલબમ પ્રગટ થયાં. 1930 માં એમણે ભાગ લીધો હતો એની સ્મૃતિરૂપે એક ચિત્રસંપુટ પણ પ્રગટ કર્યો હતો. એ દાયકામાં એમનું એકાદ ચિત્ર કે આલબમ ઘરમાં હોવું એ સંસ્કારિતાનું દ્યોતક ગણાતું. તેમણે પૂર્ણિમા , ભરત મિલાપ , રામ રાજય તથા જનક જનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં સફળ કલાનિર્દેશન કર્યું હતું. ભાવનગરના કૉંગ્રેસ અધિવેશનમાં ગુજરાત દર્શન નું કામ યશસ્વી રીતે તેઓએ પાર પાડયું હતું. લગભગ 5000 જેટલા ચિત્રો, 30 સંપુટો, 55 થી વધુ કલા દિગ્દર્શન વગેરે સેંકડો કલામય નમૂનાઓ વડે જનસમાજમાં તેઓ આજે પણ હયાત છે. ઇ. સ. 1980 માં શ્રી કનુ દેસાઇનું નિધન થયું. ગુજરાત અને ગુજરાત બહાર ગુજરાતની કલાના ઝળહળતા ધ્વજની જે દ્યુતિ પ્રસરી ચૂકી છે એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઇનું નામ પ્રથમ પંકતિમાં આવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ