દિન વિશેષ
ભગવાનલાલ ઇન્દ્રજી 16 માર્ચ
શ્રી એલ.વી.જોષી
ગુજરાતના આદ્ય પુરાતત્વ વિશારદ અને સિક્કાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામેલા ડૉ.ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટનો જન્મ ઇ.સ.1839 માં જૂનાગઢમાં થયો હતો. પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લઇ, પિતા અને ભાઇ પાસેથી સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાનલાલને એમની કારકિર્દીના ચીલે ચડાવનાર તો ગિરનાર તળેટીમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખો જ હતા. જર્જરિત શિલાલેખ પરના લખાણો દિવસો સુધી મહેનત કરી ઉકેલવામાં સફળતા મળતા એમનું નામ ગુજરાતભરમાં પ્રસિદ્ધ થયું. ડૉ.ભાઉદાજીના નિમંત્રણથી તેઓ મુંબઇ ગયા. તેમને અજંટા મોકલવામાં આવ્યા. ઘણા દિવસો સુધી કામ કરી ત્રેવીસ ગુફાલેખો તેમણે ઉતાર્યા. તેમની સેવાઓની કદરરૂપે તેમને રૉયલ એશિયાટિક સોસાયટીએ માનદ સભ્યપદ આપી નવાજયા. તેમણે આદિકાળથી વાઘેલાવંશ સુધીનો ‘ગુજરાતનો ઇતિહાસ’ પણ બોમ્બે ગેઝેટિયર માટે તૈયાર કર્યો. ભારતના અનેક સ્થળોએ ભ્રમણ કરીને, શરીરની પણ પરવા કર્યા વગર પુરાતત્વ વિદ્યાનું લગાતાર કામ કર્યું. એકધારા અને પ્રબળ પુરુષાર્થને કારણે ભગવાનલાલની તબિયત બગડી અને 16/3/1888 ના રોજ તેમણે અલવિદાય લીધી. તેમને અંજલિ આપતા ધનવંત ઓઝા લખે છે : ‘તેમનામાં હિન્દુની નમ્રતા, જર્મન પ્રજાની નિષ્ઠા, અંગ્રેજોની શક્તિ અને યોગીની સ્થિતપ્રજ્ઞતા એકસાથે દ્દષ્ટિગોચર થાય છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ