દિન વિશેષ
બાળ ગંગાધર ખેર 8 માર્ચ
શ્રી એલ.વી.જોષી
કર્મયોગી અને નિષ્ઠાવાન સેવક બાળગંગાધર ખેરનો જન્મ કોંકણમાં રત્નાગિરિમાં ઇ.સ.1888 માં થયો હતો. શાળા-કૉલેજમાં તેઓ સંસ્કૃત અને અંગ્રેજી શીખ્યા. તેમણે માધ્યમિક શિક્ષણ પૂનામાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઇમાં લીધું. તેઓ સોલીસીટર બન્યા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટના અંગ્રેજ જજ પ્રજ્ઞાચક્ષુ ફ્રેન્ક બોમનના રીડર અને પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કર્યું. અહીં તેમને વાચનનો જબરો લાભ મળ્યો. પછી તેઓ ન્યાયમૂર્તિની નોકરી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. રાજકારણ અને રાષ્ટ્રકારણમાં બાળ ગંગાધર ખેર ઉદારમતાવાદી રહ્યા હતા. દાંડીકૂચના સમયથી તેઓ ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત થઇ ગયા હતા અને પછી ‘કરેંગે યા મરેંગે’ ની આખરી લડત સુધી તેઓ સક્રીય રહ્યા હતા. ઇ.સ. 1937 માં પ્રાંતિક સ્વરાજય વખતે મુંબઇ પ્રાંતની ધારાસભામાં ચૂંટાઇને ગયેલા ખેર મુંબઇના સર્વપ્રથમ મુખ્યપ્રધાન તરીકે વરણી પામ્યા. તેમના પ્રધાનપદ હેઠળના મુંબઇ રાજયે ભારતભરમાં એક પ્રગતિશીલ રાજતંત્ર તરીકેની ઉમદા છાપ ઉપસાવી હતી. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ એ સૂત્રનો તેમણે જાતે અમલ કર્યો હતો. વેદાંતનું તત્વજ્ઞાન અને ગીતાભ્યાસનું દર્શન તેમની ચેતનાને સ્પર્શી ગયેલું. સ્વામી વિવેકાનંદના આચાર અને વિચારથી ખેર પ્રભાવિત થયેલા. 8/3/1957 ના રોજ શ્રી બાળ ગંગાધર ખેરે ચિરવિદાય લીધી.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ