દિન વિશેષ
રૂબિન ડેવિડ 24 માર્ચ
શ્રી એલ.વી.જોષી
ભારતભરના પ્રાણીબાગો ને વિશેષ કરીને અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર, કાંકરિયાની બાલવાટિકાના દ્દષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ ઇ.સ.1912 માં અમદાવાદમાં થયો હતો. નાનપણથી જ કુદરતે સર્જેલા પશુપંખી પર તેમને અપાર હેત હતું. કુટુંબના બાળકોની જેમ જ તેઓ તેમની સંભાળ લેતા. પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને તેઓ પાંજરામાં ન પૂરતા. તેઓ કહેતા ‘પ્રાણીઓને તમે પ્રેમ કરશો તો તેઓ તમારા મિત્ર બની જશે.’ કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો પકડયા હતા. તો એક મસ્જિદમાં છૂપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. તેમની સેવાના કદરરૂપે અનેક સન્માન એવોર્ડ તેમને પ્રાપ્ત થયા હતા. ભારત સરકારે ‘પદ્મશ્રી’ નો એવોર્ડ આપેલો. સાડા ત્રણ દાયકાથી વધુ પણ સમયથી પ્રાણીઓ સાથે સતત સંપર્કને કારણે તેઓ અનેક સંસર્ગજન્ય રોગોના ભોગ બન્યા હતા. ગળાના કેન્સરને કારણે તેમણે વાચા પણ ગુમાવી હતી. આવા પશુ-પંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન 24/3/1989 ના રોજ થયું હતું. તેમના અવસાનથી માનવજગતને તો ખોટ પડી જ છે પણ પશુ-પંખી જગતને પણ ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ કયારેક બોલી જતા કે ‘ચોપગાને પાંજરામાં એટલે મૂકવા પડે છે કે પાંજરા બહારના ખૂંખાર બે પગાઓથી એમને બચાવી શકાય’.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ