દિન વિશેષ
સ્વામી શ્રદ્ધાનંદ 30 માર્ચ
શ્રી એલ.વી.જોષી
ધર્મ દ્વારા રાષ્ટ્રભાવના કેળવનાર સ્વામી શ્રદ્ધ્રાનંદનો જન્મ 30/3/1856 ના રોજ એક પ્રતિષ્ઠિત ખત્રા કુંટુંબમાં થયો હતો. તેમનું નામ મુનશીરામ હતું. વકીલાતની પરીક્ષા પાસ કરીને તેમણે નાયબ તહસીલદાર તરીકે આજીવિકા શરૂ કરી પણ ત્યાં સ્વમાન ન જળવાતાં તે છોડી દઇ,વકીલાત શરૂ કરી. પણ સ્વામી દયાનંદ સરસ્વતીના અનુરોધીથી વકીલાત પણ છોડી દઇ, હરદ્વારમાં ગુરુકુળની સ્થાપના કરી. ત્યારબાદ સંન્યસ્ત ધારણ કર્યું અને શ્રદ્ધાનંદ નામ રાખ્યું. સ્વામી શ્રદ્ધાનંદે પોતાના ગુરુ મહર્ષિ દયાનંદના પગલે ચાલવાનું સાર્થક ગણ્યું. દયાનંદની પેઠે તેમણે ધર્મ અને સત્યની રક્ષા ખાતર પ્રાણ રેડયા. દરમિયાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. ગાંધીજીની ધરપકડ થઇ ત્યારે તેમણે સરઘસની આગેવાની લીધી અને પોતાના પર ગોળી ચલાવવા પોલીસને પડકાર ફેંકયો હતો. મુસ્લિમો તેમને પોતાના મોટાભાઇ માનતા હતા. અસ્પૃશ્યતા નિવારણ માટે તેમણે સારી એવી જહેમત ઉઠાવી હતી. તેમણે સ્ત્રીઓ માટે પડદાનો રિવાજ હતો તે કાઢી નાખ્યો. બાળલગ્નનો વિરોધ કર્યો ને પોતાના સંતાનોને મોટી ઉંમરે અને નાતજાતના બંધન તોડીને પરણાવ્યાં હતાં. ઇ.સ.1926 માં એક માર્ગ ભૂલેલા જેહાદીએ તેમની હત્યા કરી. પૂજ્ય ગાંધીજીએ અંજલિ આપતાં કહ્યું : “તેઓ વીરની પેઠે જીવ્યા અને વીરની પેઠે મૃત્યુને વર્યા.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ