દિન વિશેષ
જીવનરામ કૃપલાણી 19 માર્ચ
શ્રી એલ.વી.જોષી
આજીવન ક્રાંતિકારી, અધ્યાપક અને રાજનીતિજ્ઞ જીવનરામ ભગવાનદાસ કૃપલાણીનો જન્મ ઇ.સ.1888 માં સિંધ હૈદરાબાદમાં થયો હતો. મેટ્રિક પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. કરાંચીની સિંધ કૉલેજના ગોરા પ્રિન્સિપાલે ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન કર્યું, ત્યારે કૉલેજમાં હડતાળ પડાવી ગોરા આચાર્યને પ્રતીતિ કરાવી કે ભારતીયોને પણ સ્વમાન વહાલું છે. એમ. એ.થઇ શિક્ષક તરીકેના જીવનની શરૂઆત કરી. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થતા આચાર્ય પદ માટે ગાંધીજી તેમને ત્યાં લઇ ગયા ત્યારથી તેઓ ‘આચાર્ય કૃપલાણી’ તરીકે જ ઓળખાતા. શ્રોતાઓને વશ કરવાની શક્તિ તેમના ભાષણોમાં ખીલતી. ગાંધીજીના ચુસ્ત અનુયાયી હોવા છતાં ગાંધીવાદના દરેક સિદ્ધાંતને બારીક કસોટીએ ચઢાવીને જ તેઓ સ્વીકારતા. એમના રમૂજભર્યા કટાક્ષો, ધારદાર વાણી અને બુદ્ધિની તેજસ્વિતા એમના વ્યાખ્યાનોની આગવી ખાસિયત હતી. ગાંધી તત્વજ્ઞાન પર એમણે ઘણું લખ્યું છે. નિર્ભયતા, સંગીન કારકિર્દી અને હૈયાસૂઝને કારણે તેઓ બાર વર્ષ સુધી કૉંગ્રેસ કારોબારીના સભ્ય રહ્યા. સત્તા બદલાતા કટોકટી કાળમાં તેમણે અમૂલ્ય દોરવણી આપેલી. તેમણે ‘વિજિલ’ નામનું એક સાપ્તાહિક પણ શરૂ કર્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવી દેશને મુક્ત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 19/3/1982 ના રોજ અમદાવાદ ખાતે 94 વર્ષની વયે એમણે ચિરવિદાય લીધી
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ