દિન વિશેષ
રતુભાઇ અદાણી 13 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઇ અદાણીનો જન્મ 13/4/1914 ના રોજ થયો હતો.પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્દઢ થઇ. ધોલેરા છાવણી કૂચ લઇ જતા તેમને ગિરફતાર કર્યા, જેલના જડ નિયમોના વિરોધમાં જેલમાં પણ સત્યાગ્રહ આરંભ્યો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ નું અધ્યયન કર્યું. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃતિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું. ‘આરઝી હકૂમત’ ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઇએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ગૃહખાતા તરફથી રતુભાઇની માનદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત રાજયની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. કેશોદની અક્ષયગઢની હોસ્પિટલને માત્ર રુગ્ણાલય જ નહિ, પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. તેમણે ગ્રામ જીવનના અનુભવો લખવા કલમ ઉઠાવી. ઇ.સ.1997 માં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ચિરવિદાયથી ગુજરાતે ગાંધીયુગનો મુટ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો. ‘આરઝી હકૂમત આવતાં નાઠયો તહીં નવાબ, એની રાંધી રહી ગઇ રાબ, વાહે થાતા વાણિયો.’
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
સરસ
જવાબ આપોકાઢી નાખો