દિન વિશેષ
રામનારાયણ પાઠક 8 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’ જેવા વિવિધ તખલ્લુસથી સાહિત્યના વિવિધ ક્ષેત્રોની સાધના કરનાર પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકનો જન્મ 8/4/1887 ના રોજ ધોળકા પાસેના ગાણોલ ગામમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછી એલએલ.બી.થઇ વકીલાત કરવા લાગ્યા. પણ પોતાનો જીવ તેમાં ન લાગતા, જેમાં મોટી કમાણીની શક્યતા ન હતી તેવા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. તેમના સાહિત્યિક વિકાસના નિમિતરૂપ ‘પ્રસ્થાન’ સામયિકનો પ્રારંભ થયો, જેના દ્વારા તેમણે સાહિત્યના વિવિધ ક્ષેત્ર વિહાર કર્યો. પોતાના નામમાં બે ‘2’ કાર આવતા હોવાથી પોતાનું ઉપનામ ‘દ્વિરેફ’ રાખી તેમણે દ્વિરેફની વાર્તાના ત્રણ ભાગ પ્રગટ કર્યા. ‘શેષના કાવ્યો’ નામે નમૂનેદાર કાવ્યસંગ્રહ પણ આપ્યો. સ્વૈરવિહાર ભાગ-1-2 માં હળવી શૈલીની નિબંધો પણ સંગ્રહાયા છે. સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ તેમને અનેક સન્માન, પારિતોષિકો પ્રાપ્ત થયા છે. જેમાં ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક’ તેમજ ‘હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક’ નો સમાવેશ થાય છે. ઇ.સ.1955 ની એક દિવસે હ્રદયરોગના હુમલાથી પાઠક સાહેબનું નિધન થયું. સાક્ષરયુગ અને ગાંધીયુગના ઉંબરે ઊભેલા પાઠકસાહેબ ‘ગાંધીયુગ’ ના સાહિત્યગુરુ તરીકે બહોળા સાહિત્યપ્રેમીઓનો અપાર પ્રેમ અને આદર પામ્યા.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ