દિન વિશેષ
ચાર્લી ચેપ્લીન 16 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
ચલચિત્રોનો સુપ્રસિદ્ધ હાસ્ય અભિનેતા, જગાવિખ્યાત હાસ્યનટ ચાર્લી ચેપ્લીનનો જન્મ 16/4/1889 ના રોજ લંડનમાં થયો હતો. બાળપણથી જ તખ્તા પર અભિનયના ઓજસ પાથર્યા. પછી અમેરિકા પહોંચી જઇ ત્યાં મૂંગી ફિલ્મોમાં અભિનય આપવા માંડેલો. ચાર્લીની ‘કિડ ઓટો રેસીસ એટ વેનિસ’ હાસ્ય તેમજ કારુણ્યસભર એક સુંદર અને વિખ્યાત પ્રથમ ફિલ્મ છે. તો ‘ધી ગ્રેઇટ ડિકટેટર’ ફિલ્મમાં તેમણે હિટલર અને એના સાથીઓની નકલ દ્વારા એમના પર અજબ કટાક્ષ કર્યો હતો. ફિલ્મ જગાતમાં તેમણે દિગ્દર્શન તેમજ અભિનય ક્ષેત્રે યશસ્વી કારકિર્દી હાંસલ કરી અને ખૂબ પ્રશંસા મેળવી. એમણે લગભગ 35 જેટલી નાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ‘એ બીઝી ડે’ માં ઇર્ષાળુ પત્નીનો અને ‘એ વુમન’ માં નાયિકાનો સ્ત્રી પાઠ પણ એણે ભજવ્યો હતો. તેમની મોટાભાગની ફિલ્મો મૂંગી હતી, માત્ર ચહેરાના ભાવ ઉપરથી જ તેઓ ઉત્કૃષ્ટ હાસ્ય નિષ્પન્ન કરી શકતા હતા. પોતાથી નાની ઉંમરની યુવતીઓ સાથે લગ્ન કરતા હોવાથી ચર્ચાને ચકડોળે પણ રહેતા. મહાન તત્વચિંતક રસેલે તો ચાર્લી ચેપ્લીનને ‘ઉત્તમ માનવીય ગુણોથી વિભુષિત વ્યક્તિ’ તરીકે નવાજયા હતા. ઇ.સ.1977 માં આ વિખ્યાત ફિલ્મનટ ચિરનિદ્રામાં પોઢી ગયા. માથે હેટ, ઢીલું પાટલુન, હિટલરી મૂછો, હાથમાં લાકડી, અટપટી ચાલ, ભોળો દેખાતો ચહેરો – આ બધું દર્શક કયારેય ભૂલી શકવાનો નથી.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ