દિન વિશેષ
શંભુપ્રસાદ દેસાઇ 3 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને ઇતિહાસવિદ શ્રી શંભુપ્રસાદ દેસાઇનો જન્મ ઇ.સ.1908 માં ચોરવાડ મુકામે થયો હતો. બી.એ.ની પરીક્ષા પસાર કરી અમદાવાદની મોડેલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી તેઓ લોકશક્તિના ઉપમંત્રી થયા. તેમણે પોતાના બાપદાદાના ગરાસનો હવાલો સંભાળ્યો. હવે તેમણે બીજી એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી દીધી હતી એટલે તેમને જૂનાગઢ રાજયની વકેલાતની સનદ મળી. જૂનાગઢના દીવાનના હુકમથી શંભુભાઇની રેવન્યુ ખાતામાં તેમની અનિચ્છા છતાં વહીવટદાર તરીકે નિમણૂક કરી. ત્યાર પછી તેઓએ રાજકોટના કલેકટર તરીકે તેમજ ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર તરીકે અમદાવાદમાં સેવાઓ આપી. તેમણે કુલ 43 ગ્રંથો લખ્યા છે. જેમાં ખાસ કરીને ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’, ‘પ્રભાસ અને સોમનાથ’, ‘જૂનાગઢ અને ગીરનાર’, ‘તારીખ-એ-સોરઠ’ વગેરે મહત્વપૂર્ણ દસ્તાવેજી ગ્રંથોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના અરબી અને ફારસી શિલાલેખો ઉપરનો તેમનો ગ્રંથ ભારતમાં ખ્યાતિ પામ્યો છે. તેમના વિશે અનેક ચારણ, બારોટ અને અન્ય કવિઓએ પ્રશસ્તિ કવિતાઓ પણ લખી છે. 3/4/2000 ના રોજ શંભુબાપાએ આપણી વચ્ચેથી 92 વર્ષની ચિરવિદાય લીધી પણ તેઓ આપણાં માટે ‘સૌરાષ્ટ્રનો બોલતો ચાલતો ઇતિહાસ’ મૂકતા ગયા છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ