દિન વિશેષ
મેરૂભા ગઢવી 1 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરૂભા ગઢવીનો જન્મ સવંત 1962 ના ફાગણ સુદ 14 ના રોજ થયો હતો. પિતાની વાર્તાકથની મુગ્ધભાવે માણતા મેરૂભા લોકસાહિત્યના રંગે રંગાઇ ગયા. કવિ કાગ, મેઘાણી અને મેરૂભાનું મિલન થયું. પોતાની મીઠી હલકથી કાગાવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ હતું. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઇ નવી જ ભૂમિકા પર લઇ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભમતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવો જલતો રાખ્યો. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન હતા, પણ દીર્ધદ્દષ્ટા અને સમાજ સુધારક પણ હતા. હરિજનો અને નબળા વર્ગોને માટે વસાહત બંધાવી. દ્વારકામઠના જગતગુરુ શંકરાચાર્યજીએ તેમને ‘કવિરત્ન’ નો ઇલકાબ એનાયત કરી તેમની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં ભક્તિના રંગે રંગાઇને તમામ વૃતિઓમાં નિવૃતિ લીધી. 1/4/1977 ના રોજ એમનો જીવનદીપ બૂઝાઇ ગયો. વિશ્વની મહાજયોતમાં કંઠ કહેણીના મશાલચી એવા લાડલા લોકગાયક મેરૂભા ગઢવીની જીવન જયોત વિલીન થઇ ગઇ. તેમણે કરેલી લોકસાહિત્ય સેવાઓને ગુજરાત વિસરી શકશે નહી. ‘મેરૂભા ઊંચો મેરથી, છપાવે બડ ચિત્ત, ભજન બહુવિધ ભાવથી, ગાવે આછાં ગીત.’
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ