દિન વિશેષ
રાહુલ સાંકૃત્યાયન 9 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
જીવન અને ચિંતનના યાત્રી મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનો જન્મ ઉત્તરપ્રદેશના કનૈલા ગામમાં 9/4/1893 ના રોજ થયો હતો. જ્ઞાનાર્જનની તીવ્ર પીપાસા સંતોષવા ઘેરથી નાસી જઇ બિહારના એક મઠમાં અભ્યાસ કરવા માંડયો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. જલિયાવાલા હત્યાકાંડ સામે લડત આદરી, પરિણામે જેલની સજા મળી. જેલમાં એમણે ‘વીસમી સદી’ નામે પુસ્તક લખ્યું. લગભગ 175 જેટલી કૃતિઓના વિશાળ ફલક પર એમણે રાજનીતિ, ધર્મ, યાત્રા સમાજશાસ્ત્ર, નવલકથાઓ, નાટકો વગેરે અનેક વિષયો પર આલેખન કર્યું છે. તિબેટ જઇ બૌદ્ધ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ તેઓ ભિક્ષુક બની ગયા. ભારત પાછા ફરતાં ખચ્ચરો પર લાદીને સેંકડો અમૂલ્ય ગ્રંથો સાથે લાવ્યા. 36 ભાષાઓ પર પ્રભુત્વ, 1500 માઇલનો પ્રવાસ, 3 વખત જેલયાત્રા, શાળામાં પગ મૂક્યો ન હતો છતાં સ્વયં એક યુનિવર્સિટી હોય તેવું આ મહાપંડિતનું વ્યક્તિત્વ હેરાત પમાડે તેવું રહ્યું છે. કોઇ પણ વિદ્વાન એકલપંડે તેમના જેટલું લેખનકાર્ય કરી ન શકે. એમનું સર્જનકાર્ય અતિ વિસ્તૃત હતું. જાપાન થઇને મોસ્કો, કોરિયા, ચીન, યુરોપને ઇરાન માર્ગે તેમણે ‘વોલ્ગાથી ગંગા સુધીના વિશ્વપ્રવાસીનું બિરુદ મેળવેલું. લંકામાં સંસ્કૃતના પ્રાધ્યાપક હતા ત્યારે પાલી ભાષાનો અભ્યાસ કરી ‘ત્રિપિટકાચાર્ય’ પદ પણ મેળવેલું. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ થી નવાજયા હતા. ઇ.સ.1963 માં દાર્જિલિંગમાં એમનું અવસાન થયું.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ