દિન વિશેષ
છત્રપતિ શિવાજી 10 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
સફળ સેનાપતિ, વિદેશી મોગલોની સતા સામે લાંબા સમય સુધી સંઘર્ષ કરનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 10/4/1627 ના રોજ પૂના નજીક શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમણે તરુણાવસ્થામાં ખૂબ ઉત્સાહથી ઘોડેસવારી, ભાલાફેંક,પર્વતારોહણ, મલયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું કૌશલ વગેરે શીખી લઇ, પોતાની તેજસ્વિતા પુરવાર કરી. લોકોને સંગઠિત કરી સિંહગઢ, તોરણા, રાજગઢ, બારામતી, જાવલી વગેરે સંખ્યાબંધ કિલ્લાઓ જીતી લઇને મોગલ સેનાપતિઓ અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. બીજી બાજુ શિવાજીને છળકપટથી મારી નાખવા આવેલા અફઝલખાનને વાઘનખથી મારી, બિજાપુર સલ્તનતની સામે ખુલ્લી લડાઇ શરૂ કરી દીધી. સમાધાન પ્રમાણે શિવાજી દિલ્હી ગયા.ત્યાં ઔરંગઝેબે દગો કરી તેમને પકડી લીધા, પરંતુ ચાલાક શિવાજી મીઠાઇના ટોપલામાં બેસી પોતાની રાજધાની રાયગઢમાં પહોંચી ગયા. આ બધી કસોટીઓમાંથી કટોકટીઓમાંથી પસાર થઇને શિવાજીએ ‘હિન્દવી સ્વરાજ્ય’ ઊભું કર્યું. સંપૂર્ણ શાસ્ત્રોકત હિન્દુ વિધિ મુજબ તેમનો રાજ્યાભિષેક થયો અને શિવાજી ‘છત્રપતિ શિવાજી’ કહેવાયા. ઇ.સ.1680 માં અનેરી સિદ્ધિ મેળવીને જગત પરથી વિદાય લીધી. કવિ ન્હાનાલાલે કહ્યું છે કે : ‘શિવાજી મહારાજ એટલે પૃથ્વીરાજ ચૌહાણ પછીનો સર્વશ્રેષ્ઠ હિન્દુ, છેલ્લી સાત સદીઓમાં ભારતનો રાજમુગુટ, હિન્દુત્વનું રાજતિલક’.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ