દિન વિશેષ
દીનબંધુ’ એન્ડ્રુઝ 5 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
સાધુરચિત માનવસેવક ચાર્લ્સ ફ્રીઅર એન્ડ્રુઝનો જન્મ ઇ.સ.1871 માં ઇંગ્લેન્ડમાં થયો હતો. પ્રેમ,પરિશ્રમ ભક્તિ અને પરાક્રમના સંસ્કાર તેમને ગળથૂથીમાંથી જ મળ્યાં હતાં. કૉલેજકાળ દરમિયાન વિશાળ વાચન,ગ્રીક લેટિનમાં પદ્યરચના તથા વિદ્વતાથી તેમણે કૉલેજમાં સૌની પ્રીતિ જીતી હતી. અનેક પારિતોષિકો પણ જીત્યાં હતાં. શ્રી એન્ડ્રુઝની નજર સમક્ષ સદા ભારતના દરિદ્રનારાયણો જ રહ્યા છે. તેમણે ‘ધ મધરલેન્ડ’ નામનો કાવ્યસંગ્રહ પણ ભેટ આપ્યો છે. આત્મકથા, ચરિત્રો, પત્રો, લેખો વગેરેના પાંત્રીસ જેટલા પુસ્તકો એમની વિદ્વતાની શાખ પૂરે છે. મજૂરો, વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓના કલ્યાણ માટે અનેકવિધ કાર્યો કર્યા. ઇ.સ.1904 ની 29 મી માર્ચે તેઓ ભારત આવેલા તે દિવસને પોતાનો બીજો જન્મદિન ગણતા. તેઓ ખરા અર્થમાં દ્વિજ (બીજી વખત જન્મ લેનાર) હતા. એન્ડ્રુઝે 36 વર્ષ સુધી જે સેવા કરી તે અંગ્રેજોની પણ આંખ ખોલી નાખે તેવી હતી. ફીજીની કુલીપ્રથા ટાળવા બે વાર લથડેલી તબિયતે પણ ત્યાં ગયાં અને એ નાબૂદ કરાવીને જ જંપ્યા. ભારતપ્રેમી અને કરુણાના અવતારસમા ‘દીનબંધુ’ નું 5/4/1940 ના રોજ કલકતામાં અવસાન થયું ત્યારે ભારતે એક અજોડ વિદેશી મિત્ર ગુમાવ્યાનો શોક અનુભવ્યો. રવીન્દ્રનાથે કહ્યું હતું : ‘એન્ડ્રુઝ તો નદીનો પ્રવાહ છે. એક તટને ભોગે બીજાને ન્યાલ કરી દે.’ આવા દીનબંધુને ભારત કદી ભૂલી નહીં શકે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ